આ યોજનામાં સરકારે વધારી સહાયની રકમ, 1.20 લાખને બદલે 1.70 લાખ રૂપિયા મળશે
pradhan mantri awas yojana : ઘરનું ઘર એ દરેકનું સપનું હોય છે, ત્યારે વર્ષ 2025-26ના ગુજરાતના બજેટમાં સરકારે મહત્વની જાહેરાત કરી છે... જેમાં નવા આવાસ બનાવવામાં આવશે... સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં પણ લાભાર્થીઓને આવાસ માટે સહાય આપવામા આવશે
Trending Photos
Gujarat Budget 2025 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2025-26ના વર્ષના ગુજરાતના બજેટને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં “વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જનકલ્યાણનું”-ની પ્રતિબદ્ધતા દર્શાવતું બજેટ ગણાવ્યું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં પ્રસ્તુત કરેલા આ બજેટને તેમણે વડાપ્રધાનના વિકસિત ભારતના વિઝનને આયોજનબદ્ધ રીતે પ્રજા કલ્યાણ યોજનાઓથી અમલમાં મૂકવાનો આલેખ ગણાવ્યું છે. આ માટે રૂ. 50 હજાર કરોડના પ્રાવધાન સાથે વિકસિત ગુજરાત ફંડની સ્થાપનાને તેમણે મહત્વપૂર્ણ ગણાવી છે. રાજ્યના અત્યાર સુધીના ઇતિહાસનું સૌથી મોટા કદના એટલે કે રૂ.3.70 લાખ કરોડના આ બજેટમાં કેપિટલ એક્સપેન્ડિચરમાં ગયા વર્ષની તૂલનાએ 21.8% નો વધારો એ વિકાસ માટેની પ્રતિબદ્ધતા છે એમ પણ મુખ્યમંત્રીએ કહ્યું.
વધુ 3 લાખ આવાસ બનાવાશે
વર્ષ 2025-26ના ગુજરાતના બજેટનું કદ 3 લાખ 70 હજાર 250 કરોડ છે. ત્યારે ગરીબ અને વંચિતોના વિકાસ માટે આવાસ અને અન્ન સુરક્ષાને પ્રોત્સાહન આપવાનું નક્કી કર્યું છે. સરકારે બજેટમાં મોટી જાહેરાત કરી કે, ઘરના ઘરનું સ્વપ્ન પૂર્ણ કરવા માટે 3 લાખથી વધુ આવાસો બનાવાશે. આવાસ સહાય માટે 1.20 લાખને બદલે 1.70 લાખ રૂપિયાની સહાય અપાશે
ગ્રામ વિકાસ
પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) થકી રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં વસતા ઘર વિહોણા પરિવારો માટે છેલ્લા ૩ વર્ષમાં ૨ લાખ ૨૨ હજારથી વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવેલ છે. આ બજેટમાં આશરે બે લાખથી વધુ આવાસોનું નિર્માણ કરવાનું આયોજન છે. આ માટે ₹૧૭૯૫ કરોડની જોગવાઇ. પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) તથા પીએમ-જનમન યોજના હેઠળના ગામતળ ઉપલબ્ધ ન હોય તેવા ગામોના પ્લોટ વિહોણા લાભાર્થીઓ માટે પ્લોટ ખરીદવા લાભાર્થી દીઠ ₹૧ લાખ સુધીની સહાય આપવા માટે ₹૩૦ કરોડની જોગવાઇ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ કે, પ્રગતિ અને ઉન્નતિના નિત નવા આયામો સર કરતા ગુજરાતના સૌ નાગરિકોના જીવનને સુગમ્ય, સમૃદ્ધ અને સંતોષપ્રદ બનાવવાનો સફળ પ્રયાસ આ બજેટમાં થયો છે. અત્યાર સુધીમાં વિકાસની રાહ પર જ્યાં ગુજરાત છે તેનાથી વધુ ગતિએ ક્વોન્ટમ જમ્પ સાથે આગળ વધવાનું પ્રતિબિંબ આ બજેટમાં ઝિલાતું હોવાનો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીએ ઇન્ફાસ્ટ્રક્ચર અને કનેક્ટિવીટી માટે આ બજેટમાં કરવામાં આવેલી જોગવાઈઓને આવકારતા જણાવ્યું હતું કે, વિકસિત ગુજરાત માટે છ રિજીયોનલ ઇકોનોમિક પ્લાન તૈયાર કરવામાં આવશે. સુરત રિજન, અમદાવાદ રિજન, વડોદરા રિજન, રાજકોટ રિજન, સૌરાષ્ટ્ર કોસ્ટલ રિજન અને કચ્છ રિજન એમ કુલ છ ગ્રોથ હબ બનાવવાનું આ બજેટમાં પ્રાવધાન છે. સમગ્ર રાજ્યમાં વ્યાપક વર્લ્ડ ક્લાસ રોડ નેટવર્કનું માળખું સ્થપાય તે માટે આ બજેટમાં કામોના આયોજનની ભૂમિકા આપી હતી.
તેમણે કહ્યું કે, વિકસિત ગુજરાતની દિશાને નવી ગતિ આપવા બે નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે અને 12 નવા હાઈસ્પીડ કોરિડોર વિકસાવવામાં આવશે. નમોશક્તિ એક્સપ્રેસ-વેના નિર્માણથી ઉત્તર ગુજરાતના ડીસાને સૌરાષ્ટ્રના સમુદ્રી વિસ્તાર પીપાવાવ સાથે જોડવાથી કોસ્ટલ બેલ્ટના ઔદ્યોગિક, સામાજિક, આર્થિક વિકાસને વેગ મળશે.
એટલું જ નહિ, સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ-વેને અમદાવાદ, રાજકોટ અને દ્વારકા, સોમનાથ, પોરબંદર સાથે જોડવાના પ્રાવધાન અંગે જણાવ્યું હતું કે આ માર્ગોના વિકાસથી દ્વારકા અને સોમનાથ જતા પ્રવાસીઓને વધુ સરળ કનેક્ટિવીટી મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે