લખનઉથી પ્રેમીને મળવા સુરત પહોંચી સગીરા, પ્રેમીએ મિત્રો સાથે મળી કર્યો હત્યાનો પ્રયાસ
પ્રેમમાં વ્યક્તિ ગમે તે કરવા તૈયાર હોય છે, પરંતુ તેમની આ નાદાનિયત ક્યારેક ભારે પડે છે. સુરતમાં સોશિયલ મીડિયા દ્વારા થયેલા પ્રેમની એક એવી કહાની સામે આવી છે જેને વાંચીને તમારા પણ રૂવાંટા ઉભા થઈ જશે.
Trending Photos
Surat News: આજના સોશિયલ મીડિયાના સમયમાં ઘણા લોકોને ઓનલાઈન પ્રેમ થઈ જતો હોય છે. આવી એક ઘટના સુરતમાં બની છે. સુરતના તલસાણા તાલુકામાં સોશિયલ મીડિયા પ્રેમની ખતરનાક ઘટના સામે આવી છે. જ્યાં 16 વર્ષની એક સગીરાને સોશિયલ મીડિયા દ્વારા યુવક સાથે પ્રેમ થયો હતો. આ છોકરી ઉત્તર પ્રદેશના લખનઉની રહેવાસી હતી. તે યુવકને મળવા માટે સાડા બારસો કિલોમીટરની સફર કરી સુરત આવી હતી.
આ સગીરાએ સુરત આવી પ્રેમી યુવક સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ આ યુવકે પોતાના મિત્રોની સાથે મળી સગીરાને ગળે ટૂંપો દીધો અને છરીના ઘા મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ સગીરાને ગળાના ભાગે ઈજા થઈ છે અને તે અત્યારે બોલી શકતી નથી.
પ્રાપ્ત વિગત પ્રમાણે યુપીના લખનઉમાં રહેતી સગીરા ચંદન શાહુ નામના છોકરાના સંપર્કમાં સોશિયલ મીડિયાથી આવી હતી. ત્યારબાદ બંનેની મુલાકાત ગોરખપુર રેલવે સ્ટેશન પર થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે સંપર્ક વધી ગયો હતો. તાજેતરમાં અચાનક એક દિવસ આ સગીરા પ્રેમી ચંદનને મળવા લખનઉથી સુરત પહોંચી ગઈ હતી. આરોપી ચંદનની ઉંમર માત્ર 19 વર્ષ છે અને તે એક કાપડની કંપનીમાં કામ કરતો હતો.
સગીરા જ્યારે સુરત આવી ત્યારે ચંદનનો મિત્ર તેને રેલવે સ્ટેશન પર લેવા ગયો હતો. ત્યારબાદ તેને રૂમ પર લાવવામાં આવી હતી. મળેલી માહિતી પ્રમાણે ચંદન રૂમ પર પહોંચે છે અને સગીરાને કહે છે કે અહીં કેમ આવી છે. તો સગીરાએ જણાવ્યું કે હવે હું તારી સાથે અહીં રહેવાની છે. પરંતુ ચંદન આ સગીરા સાથે રહેવા ઈચ્છતો નહોતો એટલે બંને વચ્ચે બબાલ થઈ હતી.
આ ઘટના બાદ ચંદને સગીરાને મારવાનો પ્લાન બનાવ્યો હતો. તેણે પોતાના બે મિત્રો અનિલ પાસવાન અને અખિલેશ પાસવાન (બંને બિહારના મૂળ નિવાસી) અને અન્ય એક કિશોર સાથે મળી સગીરાને ફાટક નજીક લઈ ગયા હતા. અહીં ચંદને સગીરાને ગળે ટૂંપો આપ્યો અને છરીના ઘા માર્યા હતા. આ ફાટક પાસે અચાનક ગેટકીપરનું ધ્યાન જતાં તેણે સગીરાને લોહીલુહાણ સ્થિતિમાં સ્મીમેર સારવાર માટે મોકલી આપી હતી.
હોસ્પિટલમાં સારવાર બાદ સગીરા હાલ ખતરામાંથી બહાર આવી ગઈ છે પરંતુ તેને ગળાના ભાગે ઈજા થતાં તે બોલી શકતી નથી. પોલીસે આ ઘટનામાં ત્રણેય આરોપી અને એક કિશોરની ધરપકડ કરી લીધી છે અને તપાસ શરૂ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે