નાગરિકો સમજી શકે તે માટે હાઈકોર્ટની કાર્યવાહી પણ માતૃભાષામાં થવી જોઈએઃ હર્ષ સંઘવી

હાઈકોર્ટની કાર્યવાહી ગુજરાતીમાં થવા અંગે હર્ષ સંઘવીનું મોટું નિવેદન, કહ્યું નાગરિકો સમજી શકે તે પ્રકારે કાર્યવાહી થવી જોઈએ. વિશ્વ માતૃભાષા દિવસના એક કાર્યક્રમમાં ગૃહરાજ્ય મંત્રીએ આ વાત કહી હતી.
 

નાગરિકો સમજી શકે તે માટે હાઈકોર્ટની કાર્યવાહી પણ માતૃભાષામાં થવી જોઈએઃ હર્ષ સંઘવી

ગાંધીનગરઃ આજે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સાહિત્ય ગૌરવ પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, યુવા અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી મૂળુભાઈ બેરા અને રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યાં હતા. આ દરમિયાન હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપ્યું છે.

શું બોલ્યા હર્ષ સંઘવી
દેશભરમાં ચાલતી કોર્ટની કાર્યવાહીઓ અંગ્રેજી ભાષામાં થતી હોય છે. ત્યારે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી દરમિયાન ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ગુજરાત હાઈકોર્ટમાં પણ કોર્ટે ગુજરાતીમાં કાર્યવાહી કરવી જોઈએ. હર્ષ સંઘવીએ જણાવ્યું કે રાજ્યના નાગરિકો સમજી શકે તે માટે કોર્ટ કાર્યવાહી માતૃભાષામાં થવી જોઈએ. હર્ષ સંઘવીએ વિશ્વાસ સાથે કહ્યું કે આજે નહીં તો કાલે કોર્ટની કાર્યવાહી માતૃભાષામાં થશે જ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સંબોધન
વિશ્વ માતૃભાષા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આપણે કોઈ અંગ્રેજી બોલે તો ઓળઘોળ થઈ જઈએ. તેમણે કહ્યું કે અંગ્રેજી આવડે એટલે બધુ આવડે તેવું હોતું નથી. ઘણા એવા દેશો છે તેને પોતાની ભાષાનું ગૌરવ છે. ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે માતૃભાષાનું બધાને ગૌરવ હોવું જોઈએ. તેમણે કહ્યું કે ગુજરાતમાં રહેવું હોય તો ગુજરાતી ભાષા તો આવડવી જ જોઈએ. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે આપડે અંગ્રેજી ભાષાની એલર્જી નથી પરંતુ માતૃભાષાનું ગૌરવ જરૂર છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે આપણે બીજાની ભાષા પકડી આપડી ભાષા છોડી દીધી. ઘણા દેશ એવા છે તે પોતાની ભાષામાં કોઈપણ જગ્યાએ વાત કરે છે. વારસો આપણે છોડવાનો નથી, તેને પકડી આગળ ચાલવાનું છે. તેમણે કહ્યું કે ધર્મ વગરનું જ્ઞાન વિનાશ નોતરે છે. યુવાનોની તાકાતનો ઉપયોગ વિકસિત ભારત માટે કરવાનો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news