નોકરિયાત મહિલાઓ માટે ગુજરાત સરકારની મોટી ભેટ, 5 શહેરોમાં બનાવાશે વર્કિંગ વુમન હોસ્ટેલ
Gujarat Budget Big Announcement : ગુજરાતના વર્ષ 2025-26 ના બજેટમાં મહિલાઓ માટે નવી સખી સહાય યોજનાની જાહેરાત કરાઈ છે... આ સાથે જ ગુજરાતના 5 મોટા શહેરોમાં વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવામાં આવશે
Trending Photos
Gujarat Budget 2025 : ગુજરાત સરકારના નાણામંત્રી કનુ દેસાઈએ રાજ્યનું વર્ષ 2025-26 માટે બજેટની જાહેરાત કરી છે. ત્યારે તેમણે ગુજરાતની મહિલાઓને પગભર બનાવવા માટે એક નવી યોજનાની જાહેરાત કરી છે. મહિલાઓની આત્મનિર્ભરતા માટે સરકારે નવી “સખી સાહસ” યોજનાની જાહેરાત કરી છે. જેમાં મહિલાઓને સાધન સહાય, લોન ગેરંટી તથા તાલીમ આપવામાં આવશે. આ સાથે જ બજેટમાં જે મોટી જાહેરાત કરાઈ છે, તે વર્કિંગ વુમન્સ હોસ્ટેલ બનાવવાની છે. આ જાહેરાત અંતર્ગત અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં સુવિધાજનક વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાનું આયોજન છે.
નાણામંત્રી કનુ દેસાઈએ જાહેરાત કરતા કહ્યું કે, મહિલાઓની આત્મનિર્ભરતા માટે હું નવી “સખી સાહસ” યોજનાની જાહેરાત કરું છું. જેમાં મહિલાઓને સાધન સહાય, લોન ગેરંટી તથા તાલીમ આપવા ₹૧૦૦ કરોડની જોગવાઇ કરું છું. આપણી જે બહેનોને નોકરી માટે પોતાના ઘરથી દૂર રહેવાની જરૂર પડે છે. તેના માટે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં સુવિધાજનક વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાનું આયોજન છે.
આજકાલ અન્ય શહેરોમાંથી મહિલાઓ નોકરી માટે બીજા શહેરોમાં આવતી હોય છે. આ મહિલાઓને રહેવા માટે પીજી તથા ભાડેથી ઘર રાખવા પડતા હોય છે. ત્યારે મહિલાઓની આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સરકારે વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાની જાહેરાત કરી છે. ગુજરાતના 5 મોટા શહેરોમાં વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવામાં આવશે.
- મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 7,668 કરોડની જોગવાઈ
- ગંગાસરુપા આર્થિક સહાય યોજના હેઠળ વિધવા બહેનોને માસિક 1250 ની સહાય માટે 3015 કરોડ
- આંગણવાડીની બહેનોને માનદવેતન માટે 1241 કરોડ
- પૂરક પોષણ યોજના હેઠળ ત્રણથી છ વર્ષના બાળકોને ભોજન આપવા 673 કરોડની જોગવાઈ
- મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા માતાને પોષક આહાર માટે 372 કરોડ
- પૂર્ણા યોજના હેઠળ કિશોરીઓ માં કુપોષણનો દર ઘટાડવા 375 કરોડ
- વ્હાલી દિકરી યોજના અંતર્ગત સહાય આપવા માટે 217 કરોડ
- દૂધ સંજીવની યોજનામાં બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓને દૂધ આપવા 133 કરોડ
નાણામંત્રીએ વધુમાં કહ્યું કે, આધુનિક ગુજરાતના નિર્માણમાં નારીશક્તિની ભૂમિકા અગત્યની છે. જેમાં મહિલા શિક્ષણ મુખ્ય પાયો છે. અમારી સરકારે ગત વર્ષે જાહેર કરેલ “નમો લક્ષ્મી યોજના” થકી ૧૦ લાખ જેટલી વિદ્યાર્થિનીઓ અને “નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના” થકી અંદાજિત ૬૮ હજાર વિદ્યાર્થિનીઓને સહાય આપવામાં આવી રહેલ છે. મહિલાઓને પગભર કરવા માટે 'નમો ડ્રોન દીદી યોજના'ને પ્રોત્સાહન આપવા ડ્રોન દ્વારા ખાતર અને જંતુનાશકોનો છંટકાવ કરવાની તાલીમ આપવામાં આવી રહી છે. વધુમાં “લખપતિ દીદી યોજના”ને પ્રોત્સાહન આપવા વિવિધ કૌશલ્યોમાં તાલીમ આપવા તથા સ્વ-રોજગાર શરૂ કરવા માટે વ્યાજ મુક્ત લોન આપવામાં આવે છે.
મહિલાઓ માટે અન્ય સહાય
પર્યાવરણની જાળવણી માટે પરંપરાગત ઇંધણને બદલે એલ.પી.જી.ના ઉપયોગથી ધુમાડો ઓછો થાય અને બાળકો અને મહિલાઓનું આરોગ્ય જળવાઇ રહે તે માટે “પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના” તથા રાજ્ય સરકારની “પી.એન.જી-એલ.પી.જી. સહાય યોજના” અંતર્ગત ₹૫૦૦ કરોડની જોગવાઇ સૂચવું છું. “જનતા જૂથ અકસ્માત વીમા યોજના” હેઠળ નિરાધાર વિધવા બહેનો, ખેડૂતો, પશુપાલકો, અસંગઠિત શ્રમિકો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, દિવ્યાંગો, સફાઇ કામદારો જેવી વિવિધ કેટેગરીના કુલ ૪ કરોડ ૪૫ લાખથી વધુ લાભાર્થીઓને આવરી લેવામાં આવેલ છે. હાલમાં આ યોજના હેઠળ ₹૫૦ હજારથી ₹૨ લાખ સુધીનું વીમા કવચ આપવામાં આવે છે. જેમાં વધારો કરી આગામી વર્ષે ₹૨ લાખથી ₹૪ લાખ સુધીનું વીમા કવચ પૂરું પાડવાની જાહેરાત કરું છું. ગરીબોના સર્વાંગી વિકાસ, યુવાઓને શિક્ષણ સાથે કૌશલ્ય વર્ધન, અન્નદાતાને રાજ્યની સમૃદ્ધિમાં અગ્રેસર બનાવવા તેમજ નારીશક્તિના ઉત્કર્ષ સાથે તેને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવા સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે