વિદાય પહેલા જ રાજકોટમાં કન્યાના આંસુ ટપકવા લાગ્યા, ખુશીના દિવસે પરિવારમાં આવ્યું ટેન્શન!
Trending Photos
Rajkot Mass Wedding : ઝી બ્યુરો/રાજકોટ: ગુજરાતમાં કૌભાંડીઓએ કાળો કેર વર્તાવ્યો છે. કૌભાંડીઓ સારા-નરસા પ્રસંગમાં પણ કૌભાંડ કરવાનું નથી છોડતાં. રાજકોટમાં એક સર્વ જ્ઞાતિ સમૂહલગ્ન યોજાયા હતા. વર અને કન્યા સજી-ધજીને લગ્ન કરવા માટે માંડવામાં આવી ગયા હતા. પણ લગ્નનું આયોજન કરનારા આયોજકો જ ગાયબ થઈ ગયા હતા. લગ્ન મંડપમાં જ્યાં જુઓ ત્યાં અવ્યસ્થા જ હતી કન્યાના આંખમાં વિદાય પહેલા જ આંસુ ટપકવા લાગ્યા હતા. પરંતુ ત્યારપછી જે થયું તેણે માનવતાની મહેક પ્રસરાવી દીધું.
લગ્ન જીવનમાં એકવાર થતાં હોય છે. લગ્નના દિવસે સૌના માટે ખુશીનો દિવસ હોય છે. વર હોય કે કન્યા તમામ આનંદીત હોય છે. જાનૈયાઓ નાચગાન કરતાં હોય છે. પરંતુ ખુશીના આ દિવસને આંસુનો દિવસ કોઈ બનાવી દે તો? કંઈક આવું જ થયું રાજકોટના માધાપર ચોકડી નજીક યોજાયેલા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન સમારંભમાં. લગ્નનું આયોજન કરવામાં આવ્યું. દરેક વરઘડિયા પાસેથી 20થી 40 હજાર રૂપિયા પડાવવામાં આવ્યા. વર અને કન્યા તૈયાર થઈને મંડપમાં આવી ગયા હતા. પરંતુ લગ્ન સ્થળે કોઈ આયોજક જ ફરક્યો નહતો. ન કોઈ વ્યવસ્થા હતી, ન કોઈ જમણવાર હતો.
આયોજકો વરઘડિયા પાસેથી પૈસા પડાવીને ફરાર થઈ ગયા હતા. વર અને કન્યા આઘાતમાં હતા. વર-વધુના માતા-પિતા ટેન્શનમાં હતા. તો જાનૈયા મૂજવણમાં હતા કે કરવું તો શું કરવું? કન્યાની આંખમાં આંસુની ધાર વહી રહી હતી. ત્યારે જાગૃત મીડિયાના ધારદાર અહેવાલથી પોલીસ જાગી અને તાત્કાલિન ઘટનાસ્થળે આવી તમામ વ્યવસ્થાઓ કરાવી.
જાન લીલા તોરણે પરત ફરે તેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું હતું. પરંતુ રાજકોટ પોલીસે ત્વરિત એક્શન લઈને માનવતાવાદી વલણ અપનાવ્યું. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ અંગત રસ દાખવી તાત્કાલિક રાજકોટ પોલીસ કમિશનરે આદેશ કરી જમણવારની વ્યવસ્થા કરાવી. બીજી તરફ હતાશ અને નિરાશ થઈ ગયેલા જાનૈયાઓને નવો જોષ આવ્યો. પોલીસ અને સમાજસેવી લોકોના સહકારથી શરણાઈનો શૂર ગૂંજ્યો અને લગ્નની વિધિ શરૂ થઈ. ગૌર મહારાજે મંત્રોચ્ચાર શરૂ કરીને ધામધૂમ પૂર્વક લગ્નની વિધિ પૂર્ણ કરાવી. તો હાજર સૌએ રાજકોટ પોલીસ ઝિંદાબાદના જયઘોષ કર્યો. ઉચ્ચ અધિકારીઓએ નવદંપત્તીને આશીર્વાદ આપ્યા.
જાન લઈને આવેલા જાનૈયા હતાશ અને નિરાશ થઈ ગયા હતા તેમના ચહેરા પર અલગ ચમક આવી ગઈ. તો જે દીકરીઓ પરણીને સાસરે જઈ રહી હતી તે તમામને કેટલાક દાતાઓએ દાનની સરવાણી વહાવી કરિયાવરમાં અનેક વસ્તુઓ આપી. કુણાલ ચોલેરા નામના દાતાએ ગેસનો ચૂલો, મિક્સચર, બ્લેન્ડર જેવી વસ્તુઓ કરિયાવરમાં આપી. તો હેમરાજ પાડલીયા નામના દાતાએ જમણવારનું આયોજન કર્યું.
- દાનની વહી શરવાણી
- કુણાલ ચોલેરા નામના દાતાએ કરિયાવર આપ્યું
- ગેસનો ચૂલો, મિક્સચર, બ્લેન્ડર જેવી વસ્તુઓ કરિયાવરમાં આપી
- હેમરાજ પાડલીયા નામના દાતાએ જમણવારનું આયોજન કર્યું
રંગેચંગે જાનની વિદાય આપવામાં આવી. પોલીસ, સામાજિક આગેવાનો અને મીડિયાએ સમાજ જીવનમાં અપવાદ ગણાતી ઘટનાને પોતાની નજર સમક્ષ નિહાળી. માનવતાવાદી અભિગમથી દરેક દીકરીઓને સાસરે વડાવી. બીજી તરફ પોલીસે પણ પોતાનું કામ શરૂ કરી દીધુ છે અને કોઈનો ઘર સંસાર બંધાય તે પહેલા જ તોડવાનું કામ કરનારા આયોજકો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે