એક સમયે આખા ભારત પર રાજ કરતા હતા મુઘલો, અંતિમ શાસક અને વંશજો વિશે જાણો, ગરીબાઈમાં વિત્યું જીવન
એક સમયે ભારતમાં રાજ કરનારા મુઘલ સામ્રાજ્યનો અંત કેવી રીતે થયો હતો અને બાદશાહ રંગૂન કેવી રીતે પહોંચી ગયા તે તમામ વિગતો ખાસ જાણો.
Trending Photos
વિકી કૌશલની છાવા મૂવી હાલ ધમાલ મચાવી રહી છે. ફિલ્મે અત્યાર સુધીમાં જબરદસ્ત 225.28 કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજની વીરતા અને ત્યાગ, બલિદાનની કહાની વર્ણવામાં આવી છે. ઔરંગઝેબ કેટલો નિર્દયી હતો અને હિન્દુઓ પર તેના અત્યાચારોને રૂપેરી પડદે જોઈને લોકોના અત્યારે કાળજા ચીરાઈ જાય છે અને ફિલ્મ જોઈને આવનારા લોકો ધ્રુસકેને ધ્રુસકે રડી પડે છે. પરંતુ આજે અમે તમને એ જણાવીશું કે આ મુઘલ યુગનો ભારતમાં અંત ક્યારે થયો અને તેમના વંશજોએ કઈ રીતે જીવન પસાર કર્યું.
ઈતિહાસના પુસ્તકોમાં મુઘલ શાસનના જે છેલ્લા બાદશાહ નોંધાયા છે તે છે બાદશાહ બહાદુરશાહ ઝફર. તેમના 20 પુત્રો હતા. બહાદુર શાહના બે પુત્ર મિરઝા જવાન બખ્ત અને મિરઝા શાહ અબ્બાસ જેમની તસવીરો (જે તમે બ્લેક એન્ડ વ્હાઈટમાં જોઈ હશે) સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થતી રહે છે. તેમના વિશે એવું કહેવાય છે કે બહાદુરશાહના આ બંને પુત્રોએ મુઘલ સામ્રાજ્યનું પતન નજરો નજર જોયું હતું.
બહાદુરશાહ સાથે અંગ્રેજોએ શું કર્યું હતું
1857ની ક્રાંતિને દબાવતા અંગ્રેજો આગળ વધવા લાગ્યા હતા અને જ્યારે અંગ્રેજો જીતની સ્થિતિમાં જોવા મળ્યા તો ત્યારે અંગ્રેજ ફૌજના મેજર હડસને બહાદુર શાહની સામે આત્મસમર્પણનો વિકલ્પ રજૂ કર્યો. બહાદુર શાહે 20 સપ્ટેમ્બર 1857ના રોજ અંગ્રેજી સેના આગળ એ શરતે આત્મ સમર્પણ કર્યું કે તેમના પરિવારને કશું નહીં કરવામાં આવે. બહાદુરશાહ ઝફરે હુમાયુના મકબરામાં આત્મસમર્પણ કર્યું હતું.
એવું કહેવાય છે કે જ્યારે મેજર હડસન મુઘલ સમ્રાટને પકડવા માટે હુમાયુના મકબરામાં પહોંચ્યા તો બહાદુરશાહ ઝફર પોતાના બે પુત્રો સાથે ત્યાં છૂપાયેલ હતા. તેમના પુત્રો અને પૌત્રોને બ્રિટિશ અધિકારીઓએ જાહેરમાં ગોળીઓથી વિંધી નાખ્યા હતા. ત્યારબાદ તેમને બંદી બનાવીને રંગૂન લઈ જવામાં આવ્યા.
રંગૂનમાં તોડ્યો દમ
બહાદુર શાહના આત્મ સમર્પણ બાદ અંગ્રેજોએ નિર્વાસનની એક મોટી શરત મૂકી હતી. તેમણે બહાદુરશાહને બર્મા (અત્યારનું મ્ચાંમાર)માં રંગૂન માટે રવાના કર્યા. ઈતિહાસકારોનું માનવું છે કે રંગૂન જતી વખતે મિરઝા જવાન બખ્ત અને મિરઝા શાહ અબ્બાસ પણ તેમની સાથે ગયા. બહાદુર શાહનું મોત રંગૂનમાં જ થયું અને તેમના પુત્રોના મોત પણ રંગૂનમાં થયા હતા.
ઈતિહાસકાર જણાવે છે કે બંને પુત્રોમાં મિરઝા જવાન બખ્ત તરફ ઝફરને વધુ લગાવ હતો. બખ્તનું પાલન પોષણ તેમના માતા ઝીનત મહેલે કર્યું હતું. ઝીનતની પૂરેપૂરી ઈચ્છા હતી કે તે મુઘલોના આગામી વારસદાર બને. પરંતુ અંગ્રેજો આગળ તેમનું જરાય ચાલ્યું નહીં. રંગૂન મોકલવામાં આવ્યા બાદ મિરઝા જવાન બખ્તને દારૂની એવી આદત લાગી ગઈ કે લિવર સિરોસિસના કારણે 18 સપ્ટેમ્બર 1884માં તેમનું મોત થઈ ગયું. ત્યારે તેમની ઉંમર 43 વર્ષ હતી. 25 ડિસેમ્બર 1910ના રોજ મિરઝા શાહ અબ્બાસે પણ દુનિયાને અલવિદા કરી દીધી હતી.
હવે કઈ હાલતમાં છે મુઘલોના વંશજ
શું તમને ખબર છે કે જે મુઘલોએ અનેક વર્ષો સુધી ભારત પર રાજ કર્યું તેમના વંશજો હવે ક્યાં અને કઈ હાલતમાં છે? આ અંગે 2005માં ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં એક રિપોર્ટ છપાયો હતો. તે રિપોર્ટમાં સુલ્તાના બેગમનો ઉલ્લેખ મળે છે. ત્યારે તેમની ઉંમર 60 વર્ષ હતી. રિપોર્ટમાં જણાવ્યું છે કે સુલ્તાના બેગમ અંતિમ મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફરના પૌત્રવધુ હતા. ત્યારે તેઓ હાવડાંની ઝૂપડપટ્ટીમાં મામૂલી પેન્શન પર જીવનનિર્વાહ કરતા હતા.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે